કચ્છના Gandhidham શહેરમાં કરોડો રૂપિયાની લૂંટનો પ્રયાસ થતાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. બે કરોડ રૂપિયાથી વધુની રોકડ ભરેલી એક બેંકની કેશવાન એક શખ્સ લૂંટના ઈરાદે લઈને ફરાર થયો હતો. બનાવ ગાંધીધામના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં, સ્ટેટ બેંક નજીક બન્યો હતો, જ્યાંથી કેશવાન હંકારીને આરોપી ભાગી ગયો.
હાલांकि, પોલીસે તાત્કાલિક એલર્ટ થઈને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ગણતરીની મિનિટોમાં જ કેશવાન શોધી કાઢવામાં આવી અને કરોડોની રોકડ સલામત મળી આવી. આ સમગ્ર ઘટનામાં પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે, જ્યારે મામલે વધુ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ કેશવાનમાં બે કરોડથી વધુની રકમ હતી. પોલીસની ઝડપી કામગીરીને કારણે મોટી લૂંટ ટળી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પોલીસ સામે ફરિયાદ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
બીજી તરફ, ગુજરાતમાં પોલીસ વર્તન અને દમન સંબંધિત ફરિયાદોને લઈને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. Gujarat Police વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે સરકારે 14449 નંબર જાહેર કર્યો છે. રાજ્યના એડવોકેટ જનરલે હાઇકોર્ટ સમક્ષ આ માહિતી આપી હતી અને આગામી 15 દિવસમાં આ હેલ્પલાઇન સંપૂર્ણ રીતે કાર્યરત કરવાની ખાતરી આપી છે.
આ નંબર 24 કલાક, સપ્તાહના તમામ દિવસો કાર્યરત રહેશે. નંબર એક્ટિવ થયા બાદ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વ્યાપક જાહેરાત પણ કરવામાં આવશે. આ ઉપરાંત, 1091 મહિલા હેલ્પલાઇન અને 1064 ભ્રષ્ટાચાર નિવારણ માટેના નંબર પહેલેથી જ કાર્યરત હોવાનું પણ સરકાર દ્વારા જણાવાયું છે. તમામ ઇમરજન્સી અને હેલ્પલાઇન નંબરો એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવા માટે www.indianhelplinenumber.com વેબસાઇટ પર વિગતો મુકવામાં આવશે.
સોલા તોડકાંડ બાદ પોલીસ પર કડક નજર
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં Ahmedabadના સોલા વિસ્તારમાં પોલીસ તોડકાંડનો મામલો સામે આવ્યા બાદ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઇકોર્ટે સુઓમોટો કાર્યવાહી કરીને પોલીસ પાસેથી તપાસ રિપોર્ટ માગ્યો હતો અને નારાજગી વ્યક્ત કરી હતી. તેના પગલે હવે પોલીસ વિભાગે આંતરિક તપાસ વધુ કડક બનાવવાનો નિર્ણય કર્યો છે.
આગામી સમયમાં DCP કક્ષાના અધિકારીઓ ખાનગી વ્યક્તિઓને ડિકોય તરીકે ઉપયોગમાં લઈને પોલીસના વર્તન, ઉઘરાણી અને કામગીરીની રિયાલિટી ચેક કરશે. ખાસ કરીને એરપોર્ટથી એસ.પી. રિંગ રોડ સુધી મુસાફરોને રોકી પૈસા માંગવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરાશે.
પોલીસ કમિશ્નરે શહેરમાં રાત્રિ દરમિયાન ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની ખાસ ચકાસણી કરવા આદેશ આપ્યો છે. હેતુ એક જ છે — પોલીસ વિભાગમાં વધી રહેલી ગેરરીતિઓ પર અંકુશ લાવવો અને જનતાનો વિશ્વાસ ફરી મજબૂત બનાવવો.
0 Comments