‘બ્રાહ્મણવાદ’ એટલે જાતિ નહીં, પરંતુ વર્ચસ્વની માનસિકતા
‘બ્રાહ્મણવાદ’ શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ, પરંતુ ઘણી વખત તેનો સાચો અર્થ સમજ્યા વિના જ આપણે તેને કોઈ એક ચોક્કસ જ્ઞાતિ સામેની નફરત તરીકે જોઈ લઈએ છીએ. હકીકતમાં એવું નથી. બ્રાહ્મણવાદ કોઈ જ્ઞાતિનું નામ નથી; તે એક પ્રકારની વર્ચસ્વવાદી વિચારધારા છે—એવી માનસિકતા જે પોતાને શ્રેષ્ઠ અને બીજાને ઉતરતું ગણવામાં આનંદ અનુભવે છે.
થોડું વિશાળ દૃષ્ટિકોણથી જોવાય તો, જેમ પશ્ચિમના અનેક દેશોમાં લાંબા સમય સુધી ‘રેસિઝમ’ એટલે કે રંગભેદ સમાજને અંદરથી ખોખલો કરતો રહ્યો, જ્યાં ગોરી ચામડીને ઉચ્ચતાનો ધોરણ માનવામાં આવતો, એમ જ ભારતમાં સદીઓ સુધી જન્મ અને કુળને શ્રેષ્ઠતાનું પ્રમાણપત્ર બનાવી દેવામાં આવ્યું. જો કોઈ વ્યક્તિ માત્ર એટલા માટે પોતાને શ્રેષ્ઠ માને કે તેનો જન્મ કોઈ ખાસ કુળમાં થયો છે અને એ આધારે બીજાને નાનું ગણે છે, તો સમસ્યા તેની જાતિમાં નથી—સમસ્યા તેની માનસિકતામાં છે. આ જ તો વર્ચસ્વવાદ છે.
ઇતિહાસમાં જે જ્ઞાતિ પાસે સત્તા, શિક્ષણ અને ધાર્મિક-સામાજિક અધિકારોનું કેન્દ્ર હતું, તેના નામ પરથી ‘બ્રાહ્મણવાદ’ શબ્દ વપરાયો. પરંતુ તેનો અર્થ એવો નથી કે દરેક બ્રાહ્મણ વ્યક્તિ બ્રાહ્મણવાદી જ હોય. બ્રાહ્મણવાદનો મૂળ વિચાર એવો છે કે, “હું ઊંચા કુળમાં જન્મ્યો છું એટલે હું પવિત્ર અને જ્ઞાની, અને બીજાં તો નીચાં.” આ વિચાર તર્કસંગત નથી; તે સ્પષ્ટ અન્યાય છે—બીજાના અધિકારો છીનવીને પોતાની સત્તા ટકાવી રાખવાની વૃત્તિ.
આ જ વિચારધારા આપણે અન્ય સ્વરૂપોમાં પણ જોઈ શકીએ છીએ. જો કોઈ પુરુષ એવું માને કે “હું પુરુષ છું એટલે સ્ત્રી કરતાં શ્રેષ્ઠ છું,” તો તે પણ મૂળભૂત રીતે એ જ વર્ચસ્વવાદી માનસિકતાનું પ્રતિબિંબ છે. અહીં વ્યક્તિ કઈ જ્ઞાતિમાં જન્મ્યો છે તે મહત્વનું નથી—વિચાર મહત્વનો છે. એટલે પછાત કે દલિત વર્ગનો માણસ પણ જો સત્તા મળ્યા બાદ બીજાને દબાવે, તો તે પણ એ જ વિચારધારાનો ભાગ બની જાય છે.
ઇતિહાસમાં એવા અનેક ઉદાહરણો છે જ્યાં બ્રાહ્મણ કુળમાં જન્મેલા લોકો બ્રાહ્મણવાદના ઘોર વિરોધી રહ્યા છે. તેઓ તર્ક, સમાનતા અને સુધારાના પક્ષમાં ઊભા રહ્યા, સમાજને આગળ ધપાવ્યું અને ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો. એટલે જન્મ અને વિચાર—બન્ને એક નથી.
પરંતુ આ બધાની વચ્ચે એક કડવી સચ્ચાઈ પણ છે. લાંબા સમય સુધી દલિત, પછાત અને સ્ત્રી સમુદાયોને શિક્ષણ, સંપત્તિ અને માન-સન્માનથી વંચિત રાખવામાં આવ્યા. આ કોઈ સંયોગ નહોતો, પરંતુ એક આયોજનબદ્ધ વર્ચસ્વવાદી વ્યવસ્થા હતી. આજે પણ જ્યારે આપણે જાતિવાદ, લિંગભેદ કે વર્ગભેદ કરીએ છીએ, ત્યારે અજાણતાં જ આપણે એ જ જૂની સાંકળોને વધુ મજબૂત બનાવી દઈએ છીએ.
આથી સમજવું જરૂરી છે કે બ્રાહ્મણવાદ કોઈ જાતિ સામેની લડાઈ નથી. તે લડાઈ છે જાતિગત અહંકાર, શ્રેષ્ઠતાના ભ્રમ અને વર્ચસ્વની ભાવના સામે. સાચો પરિવર્તન ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે ‘જન્મ’ને નહીં, પરંતુ ‘માણસાઈ’ને મહત્વ આપવાનું શીખીશું.
છેલ્લે એક મહત્વની વાત—કોઈ પણ વિચારનો અતિરેક હાનિકારક બને છે. આજે સમાજમાં સવર્ણ સામે અન્ય અને અન્ય સામે સવર્ણ જેવી અતિશયતા વધી રહી છે, જે ઘણી વખત રાજકીય સ્વાર્થથી પ્રેરિત હોય છે. કોઈ પણ સમુદાયને એકસાથે સંપૂર્ણ સારો કે સંપૂર્ણ ખરાબ ગણવો ખતરનાક છે. આ પણ એક પ્રકારની માનસિક બીમારી છે, જે હવે ગંભીર સ્વરૂપ લઈ ચૂકી છે.
મૂળ તર્ક એટલો જ છે કે બ્રાહ્મણવાદ કોઈ લોહીમાં વહેતી વસ્તુ નથી. તે સત્તા અને શ્રેષ્ઠતા જાળવી રાખવા માટેનો એક સામાજિક હથિયાર છે. જે ક્ષણે કોઈપણ વ્યક્તિ—ચાહે તે દલિત હોય, પછાત હોય કે સવર્ણ—સત્તા મળ્યા બાદ બીજાને નાનું ગણવા લાગે છે, તે ક્ષણે તે પણ એ જ માનસિક ગુલામીનું પ્રદર્શન કરે છે. લડાઈ કોઈ એક જ્ઞાતિ સામે નથી, પરંતુ એ વિચાર સામે છે જે માણસને માણસથી ઊંચો કે નીચો ગણવા પ્રેરે છે. સાચો લોકશાહીવાદી એ જ છે, જે પદ, પ્રતિષ્ઠા કે કુળના ત્રાજવે કોઈને ક્યારેય તોલતો નથી.
.jpg)
0 Comments